એકસમયે શ્રીહરિ રાધાવાડીએ બીરાજતા હતા. ત્યાં જ સંતો-ભકતો અને પાર્ષદો સાથે રાતવાસો કરતા હતા. સાંજે શ્રીહરિ પોતાના હાથે જ રીંગણાનું શાક બનાવતા અને સંતો રોટલા બનાવે અને સહુંને પ્રેમે કરીને પીરસીને જમાડતા.
એકદિવસે પુનમની રાત્રીએ શ્રીહરિ અને સહુ સંતો વાળું કરીને જમી પરવારી રહ્યા એટલે કિર્તનભકિત થયા અને શ્રીહરિએ પોતાના મુખે સહુંને અમૃતવચનો કહ્યા, આ વખતે સામા શેઠે ખીજડા ના વૃક્ષ ઉપર ઘૂવડ બોલવા લાગ્યા. ત્યારે અલૈયાખાચર કહે ‘હે મહારાજ, આહી ઘણાય ઘૂવડ રહે છે તે બહું કલબલ કલબલ કર્યા કરે છે.’ આ સુણીને બ્રહ્માનંદ સ્વામી કહે કે ‘મહારાજ, એ ઘૂવડો તો કિર્તનો ગાતા હોય એમ જણાય છે.’ ત્યાંતો થોડીવાર માં બે ઘૂવડો સામસામા ઝઘડતા નજીક આવ્યા અને લોહીલુહાણ થઇ ગયા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા કે ‘આ ઘૂવડ પણ અભાગીયા લાગે છે, એટલે તો દૂર ઝઘડે છે, આહી નજીક આવીને ઝઘડે તો એને પ્રગટ શ્રીહરિ અને સર્વ સંતોભકતોના દર્શન થાય, વળી મહારાજની દ્રષ્ટિ એમના ઉપર પડે તો એમના આત્મા નું ઘણું રૂડું થાય..! ઘૂવડોએ જાણે સચ્ચિદાનંદ સ્વામીની વાત ને સાંભળી લીધી હોય એમ ત્યાંથી ઉડતા નજીક આવીને ભેખડ ઉપર બેસતા થકા તરહ તરહની બોલી બોલતા ઝઘડવા મંડયા.
રાત્રીના પુનમના ચંદ્રના અજવાળે બંને ઘૂવડો એકબીજા ના માથામાં ચાંચના પ્રહારે લોહીલુહાણ થતા એક ઘૂવડને માથા માં લોહી નીકળતા એણે બીજા ઘૂવડને ગળામાં જીવલેણ ચાંચ મારતા તે તરફડિયા મારવા લાગ્યું. શ્રીહરિ અને સહું સંતો પાર્ષદો દોડીને એના પાસે આવ્યા અને સહુંના દેખતા જ એ બંને ધૂવડે પ્રાણ ત્યાગી દીધા.
ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે ‘હે મહારાજ, આ ઘૂવડો અતિ ભાગ્યશાળી કે એને મરવા ટાણે આપના પ્રત્યક્ષ દર્શન થયા. એ બેઉનું મોત સુધરી ગયું.’
શ્રીજીમહારાજ મંદ મંદ હસતા થકા બોલ્યા કે સ્વામી, આ બેઉ ઘૂવડો પૂર્વે રાજાઓ હતા, તેણે રાજસત્તાના મદમાં ઋષિઓનો દ્રોહ કર્યો હતો, એ પાપે એમને આ ઘૂવડનો દેહ મળ્યો હતો, પરંતું બેઉ રાજાઓએ ધણીય અનાથ દિકરીઓના કન્યાદાન કરી ને વિવાહ કરાવેલા, એ પુણ્યે એમને અંતસમે અમારા દર્શનનો યોગ થયો, ને હવે તેઓ અંતસમે અમારા દર્શન પામીને મોક્ષધર્મને પામશે. એણે અમારા દર્શન કર્યા છે માટે તેઓ અમારા ધામને પામશે.’
એ બેઉ ઘૂવડનો શ્રીહરિએ પાર્ષદો પાસે અગ્નિસંસ્કાર કરાવ્યો અને સવારે વહેલા ઉઠીને નાહીને નિત્યવિધી વગેરે કર્યો. પોતે પુજા વગેરેમાંથી પરવાર્યા એ સમે લાડુંબા-જીવુંબાં વગેરે સહું દરબારગઢમાંથી શ્રીહરિ સારું શિરામણી વગેરે લાવ્યા તે પ્રેમે કરીને જમ્યા. જમતા જમતા શ્રીહરિએ એ વખતે લાડુંબા-જીવુંબાં ને રાતે બનેલ ઘૂવડોના અંતકાળની વિગતે વાત્ય કરી.
– કૃપામુકિતમાંથી….